Tuesday 20 July 2010

આત્મવિશ્વાસ જેનો મહિમા અપરંપાર...


આપણે સહુ જાણીએ છીએ કે ‘આત્મવિશ્વાસ’ તરીકે ઓળખાતો ગુણ કેટલો બધો મહત્ત્વનો છે. આત્મવિશ્વાસ એટલે પોતાની જાત ઉપર વિશ્વાસ, જાત ઉપર ભરોસો. આત્મવિશ્વાસના બળે તો નેપોલિયને અડધી પૃથ્વી જીતી લીધેલી. આત્મવિશ્વાસના જોરે ગાંધીજીએ અંગ્રેજો જેવી મહાસત્તાનેે ભારતમાંથી તગેડી મૂકેલી. આત્મવિશ્વાસને પ્રતાપે અનેકવાર ચૂંટણી હારવા છતાં અબ્રાહમ લિંકન અંતે ચૂંટણીમાં વિજયી બનીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. દોસ્તો, આવાં તો સંખ્યાબંધ ઉદાહરણો ઈતિહાસમાં છે. આવા દાખલાઓ આપણા જીવાતા જીવનમાં પણ જોવા મળે છે.

પરંતુ જીવનમાં કેટલીયે વાર એવું બનતું હોય છે જ્યારે આત્મવિશ્વાસ વધવાને બદલે ઊલટાનો ઘટી જાય છે. તમે પણ આવું ક્યાંક અનુભવ્યું છે, ખરું ? ક્લાસરૃમમાં ટીચર પ્રશ્ન પૂછે અને જવાબ આવડતો હોવા છતાં પણ જવાબ ન આપી શકીએ, પરિણામ (રિઝલ્ટ) ધાર્યા કરતાં નબળું આવે. મમ્મી - પપ્પા બીજાં બાળકો સાથે સરખાવીને આપણને ઓછા હોશિયાર કે ઓછા સ્માર્ટ ગણે, વકતૃત્ત્વ સ્પર્ધામાં બોલવામાં પાછા પડીએ, સ્કૂલમાં સવારની પ્રાર્થનામાં આજના ‘મુખ્ય સમાચાર’ વાંચવા જેવી સાધારણ બાબતમાં યે ગોથું ખાઈ બેસીએ. આત્મવિશ્વાસમાં ઓટ આવવાથી આવું બધું બનતું હોય છે એવું કારણ અપાય છે પરંતુ વિચારીશું તો સમજાશે કે સાવ એવું નથી. આત્મવિશ્વાસની કમી સિવાય પણ બીજાં કારણો હોય છે. જોકે, એક વાત તો એમ છતાં, સાચી જ છે કે વારંવાર આપણો આત્મવિશ્વાસ ડગમગી જાય એ સારું ચિહ્ન તો હરગીજ ન ગણાય. આત્મવિશ્વાસ તો ક્યારેય ન ખોવો જોઈએ. આત્મવિશ્વાસમાં ઓટ આવવાથી આપણી પોતાની જાતમાં અને આસપાસ કાળંુ અંધારું છવાઈ જાય છે , જાણે કે ઓચિંતાની વીજળી ગુલ.

તાજો જ દાખલો લઈએ તો હમણાં પરીક્ષાનાં પરિણામો આવ્યાં (આ સિઝન કેરી અને આઈસક્રીમ - કૂલ્ફીની એમ પરિણામોની પણ સિઝન છે.) તમારામાંથી ઘણાં એમ માનતાં હશે કે અમુક વિષયમાં તો આપણે ઢગલો માર્કસ આવશે. પરંતુ રિઝલ્ટ આવ્યું તો પુઅર માર્કસ અથવા નબળા ગુણાંક આવ્યા. અને તમે સાથે જ રાજામાંથી એકાએક રંક બની ગયા ! આવે પ્રસંગે તરત તમારો આત્મવિશ્વાસ ડગી જાય છે. આપણને આપણી જાત ઉપર જ શંકા થવા લાગે કે આપણે પેપરમાં ધોળકું ધોળી આવ્યા હશું - ખોટા ઉત્તરો લખ્યા હશે. થોડીવાર પહેલાં આપણે પોતાને હોંશિયાર માનતા હતા, અને થોડીવારમાં તો ઠોઠ કે ઓછા હોંશિયાર માનવા લાગ્યા.

બસ, આને જ આત્મવિશ્વાસની ઊણપ કહેવાય. દોસ્તો, જીવનમાં મનુષ્યજીવન જ એવું છે કે એમાં પરીક્ષાઓ / કસોટીઓ તો આવતી જ રહેવાની છે. પરીક્ષાઓથી ડર્યે ન ચાલે, ન જ ચાલે. શું નેપોલિયન એકલાનો જ આત્મવિશ્વાસ ઉપર જ ઈજારો છે ? આપણે પણ સેલ્ફ કોન્ફિડન્ટ બનીને કેમ ન કહી દઈએ કે, ‘અરે પરીક્ષા તે શું કંઈ મોટો વાઘ છે ?’

જીવન તો એવું છે કે એમાં અનેક પડકારો પણ આવે. જ્યારે પડકારો આવે ત્યારે તેનો સામનો કરવા માટે તમામ શક્તિઓને કામે લગાડવી જોઈએ. જીવનમાં એક લક્ષ્ય - હેતુ - ગોલ નક્કી કરો. જો એકવાર લક્ષ્ય સિદ્ધ થશે તો પછી, તમારો આત્મવિશ્વાસ આપોઆપ જ બુલંદ બનશે - ઘટવાનો સવાલ જ નહીં રહે, વધવા લાગશે. પડકારોનો સામનો કરવો તે અઘરી બાબત નહીં રહે, સરળ બની જશે.

ધોરણ - ૧૨નો એક વિદ્યાર્થી. તેને મેડિકલ લાઈનમાં જવું હતું, ડોક્ટર બનવું હતું. પણ ઓછા ટકા આવવાથી તેની મનની મનમાં રહી ગઈ. પરિણામે તેને પોતાની જાતમાં શ્રદ્ધા ઘટી. હવે તમે જ વિચારો કે, આ વાજબી છે ખરું ? બિલકુલ વાજબી ન ગણાય. ડોક્ટર ન બન્યા તો બીજું પણ ઘણું બની શકાય છે. આ વિશ્વમાં પોતાની જાતને પુરવાર કરવા માટે અનેક પ્રકારની તકો મળતી હોય છે. દુનિયા કેટલી બધી વિશાળ અને ભરીભરી છે ! ડોક્ટર ન બન્યા તો, બીજું કંઈક બનો. ઈમાનદાર - પ્રામાણિક માણસ બનો. પ્રામાણિક માણસ બનવું એ કેટલી બધી ઉમદા ચીજ છે ! દોસ્તો, ‘શું હાંસલ કરીએ છીએ’ એ જ ફક્ત મહત્ત્વનું નથી. કેવી રીતે - કેવી ભાવનાથી, કેવી નિષ્ઠાથી હાંસલ કરીએ છીએ એ પણ એટલું જ મહત્ત્વનું છે. મહાપુરુષો તો એમ કહે છે કે ‘કેવી રીતે હાંસલ કરવું’ એ ઊલટાનું વધારે મહત્ત્વનું છે. આપણે ઓનેસ્ટલી - પ્રામાણિકપણે પ્રયત્નો ચાલુ રાખીએ તો એક દિવસ પ્રામાણિક્તા જ આપણને સફળતા અપાવશે. જીવનના આ સત્યથી પરિચિત થાવ.

આપણો આત્મવિશ્વાસ કેવી નાની નાની વાતોમાં ડગી જતો હોય છે ! તમે એક સારા ક્રિકેટર છો. બેટ લઈને મેદાનમાં ઉતર્યા પછી ભલભલા બોલરોની ધોલાઈ કરી નાંખો છો (તમે કેવી ધોલાઈ કરો છો એ વિરોધી ટીમના બોલરોને કોઈ પૂછી જુએ તો ખબર પડે.) પરંતુ આમ છતાં, સ્કૂલ ક્રિકેટ ટીમના ૧૫ ખેલાડીઓનું લિસ્ટ જાહેર થયું અને એમાં તમારું ક્યાંય કરતા ક્યાંય નામ નથી. તો ? આપણને તરત એમ લાગવા માંડે કે આપણે નબળા ખેલાડી છીએ. હવે, આ વાત પર વિચારી જુઓ અને જાતે જ નક્કી કરો કે આ વાજબી ગણાય ખરું ? સારો ખેલાડી તેને જ કહેવાય જેને ટીમમાં સ્થાન મળે ? આપણી સારા - નરસા, હોંશિયાર - ઠોઠની વ્યાખ્યા શું છે ?

•જીવન તો એવું છે કે એમાં અનેક પડકારો પણ આવે. જ્યારે પડકારો આવે ત્યારે તેનો સામનો કરવા માટે તમામ શક્તિઓને કામે લગાડવી જોઈએ. જીવનમાં એક લક્ષ્ય - હેતુ - ગોલ નક્કી કરો. જો એકવાર લક્ષ્ય સિદ્ધ થશે તો પછી, તમારો આત્મવિશ્વાસ આપોઆપ જ બુલંદ બનશે -મમ્મી - પપ્પા જાણે - અજાણ્યે તમારી સરખામણી ક્યારેક તમારા જ ભાઈ - બહેનો સાથે, તો ક્યારેક પડોશીના પુત્ર - પુત્રી સાથે કરી બેસે છે. તમને ઓછા હોંશિયાર કે ઠોઠ ચીતરે છે. એવું કહે છે કે એક જ ટીચર પાસે ભણવા છતાં બાજુવાળાનો છોકરો / છોકરી તમારાથી વધુ હોંશિયાર કેમ છે ? તમારી જ ઉંમરની બહેનપણીની પર્સનાલિટી ખૂબ સારી છે. તે ગમે તેવો ડ્રેસ પહેરે તો ય શોભી ઊઠે છે જ્યારે તમે ગમે તેવો મોંઘો ડ્રેસ પહેરો છો તોય ‘ઠેરના ઠેર’ રહો છો. કોઈ વખાણ કરતું જ નથી ને ! કેટલીકવાર કપડાં, કેટલીકવાર ચામડીનો રંગ, કેટલીકવાર જ્ઞાાતિ, કેટલીકવાર કદ એટલે કે ઊંચાઈ - આવાં આવાં કારણસર આપણે આત્મવિશ્વાસ ગુમાવી બેસીએ છીએ.

યાદ રાખો કે સચિન તેંડુલકર કદમાં વામન એટલે કે ઠીંગણો હોવા છતાં વિશ્વ ક્રિકેટનો એક મહાન બેટ્સમેન બની શક્યો છે. હાઈટ ઓછી હોવાને લઈને સચિન આત્મવિશ્વાસ ખોઈ બેઠો હોત તો આજે તે ક્યાં હોત ?

દોસ્તો, આપણું પર્ફોમન્સ નબળું હોય છે તેની પાછળ એક મોટું કારણ એ છે કે ‘કોઈ આપણી મજાક ઉડાવશે.’ એવા ખ્યાલથી આપણે ડરતા હોઈએ છીએ. એક વાત સમજો. આપણે બીજાને દેખાડવા માટે જિંદગી ન જીવવી જોઈએ. જિંદગીને પોતાની એક અલાયદી અને આગવી શરત હોય છે.

કોઈને નુકસાન ન પહોંચે એમ આપણે આનંદપૂર્વક જિંદગી જીવીએ. એમાં બીજા ખિખિયાટા કરે તો છો કરે ! તમે જ જરી વિચારી જુઓ કે ખિખિયાટા કરનારા જરાય સારા કે સંસ્કારી લાગે ખરા ? ખોટી ચિંતા અને ફિકરને તો આજથી જ તિલાંજલી આપી દેવી જોઈએ. ક્ષુલ્લક વાતોને મહત્ત્વ ન આપતાં આપણા કામનો આનંદ લઈએ. આવું વલણ એકવાર જો ટેવમાં પરિર્વિતત થશે, તો તમને એક સારી અને જીવનમાં સફળતા અપાવનારી ટેવ પડશે - ક્યારેય આત્મવિશ્વાસ ન ખોવાની ટેવ. પછી ગમે તેવી મુશ્કેલ ઘટના યે તમને ડગમગાવી નહીં શકે. ‘હું આ કરી શકીશ ?’ એવું ઢચુંપચું વલણ છોડો. તેને બદલે ‘હું આ જરૃર કરી શકીશ’ એવો આત્મવિશ્વાસ - છલકતો અભિગમ અપનાવો.

Courtesy: 'Sandesh' Daily dated July 21, 2010